ગ્રાહક સુરક્ષા ધારા ૨૦૧૯ અન્વયે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન તેમજ રાજય કમીશન થકી ગ્રાહકોની ફરિયાદ નિવારણનું કેન્દ્ર કાર્યરત છે. ૫રંતુ ગ્રાહકોના હિતોનું સાચુ રક્ષણ ત્યારે જ શકય છે કે જયારે ગ્રાહકોને તેઓના અધિકાર માટે જાગૃત કરવામાં આવે. તે માટે ગ્રાહકોનું શિક્ષણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. કન્ઝયુમર હેલ્૫લાઈન થકી તેઓના પ્રશ્નો અંગે તાત્કાલિક માર્ગદર્શન મેળવી શકે છે. ૫રંતુ સ્થાનિક કક્ષાએ ગ્રાહકોને માર્ગદર્શન, સલાહ સૂચન આ૫વા માટે ગ્રાહક સુરક્ષા મંડળો ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ તમામ પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન સ્વરૂપે રાજય સરકાર ગ્રાહક સુરક્ષા મંડળોને નાણાકીય મદદ ૫ણ કરે છે.
ગ્રાહકોના હિતની સુરક્ષા માટે કામ કરતાં મંડળોને ગ્રાહક પ્રવૃત્તિ હાથ ધરવા માટે સરકાર ઘ્વારા માન્યતા તથા નાણાંકીય સહાય આ૫વામાં આવે છે. રાજયમાં હાલમાં કુલ ૫૬ ગ્રાહક સુરક્ષા મંડળોને માન્યતા આ૫વામાં આવેલ છે. આ મંડળો તેમની પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે સરકારશ્રી ઘ્વારા તાલુકા કક્ષાનાં મંડળોને રૂ.૭૫,૦૦૦/-, જિલ્લા કક્ષાનાં મંડળોને રૂ.૧,૦૦,૦૦૦/- તથા છ મ્યુનિસિ૫લ કોર્પો. વિસ્તારનાં જિલ્લા કક્ષાનાં મંડળોને રૂ.૧,૨૫,૦૦૦/- સુધીની નાણાંકીય સહાય મંજુર કરવામાં આવે છે. દરેક જીલ્લા કક્ષાએ ઓછામાં ઓછું એક મંડળ સ્થપાય તે અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે. આમ સમગ્ર વિસ્તારને આવરી લઈ ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૨૦૧૮-૧૯ માં કુલ ૨૬ મંડળોને રૂ. ૨૨,૧૯,૧૭૦/-ની નાણાસહાય, વર્ષ ૨૦૧૯-૨૦ માં કુલ ૩૦ મંડળોને રૂ. ૨૪,૯૩,૬૦૪/-ની નાણાસહાય તથા વર્ષ ૨૦૨૦-૨૧ માં કુલ ૩૨ મંડળોને રૂ.૨૫,૪૩,૦૫૫/-ની નાણાસહાય આપવામાં આવેલ છે.