અન્ન બ્રહ્મ યોજના હેઠળ અત્યંત ગરીબ, અશક્ત,નિરાધાર, ઘર વિહોણા, અનાથ બાળકો, અને હોસ્પિટલનાં બિછાને પડેલ દર્દી વગેરે જેવા લાભાર્થીઓને અન્ન સલામતીનાં હેતુસર દર માસે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. અનાજ વિના મૂલ્યે આપવાનું ઠરાવવામાં આવેલ છે. (વિભાગના ઠરાવ ક્રમાંક પીડીએસ/૧૦૨૦૦૮/૧૦૧(૧)/ક, તા.૦૧/૦૪/૨૦૧૦)
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કઠોળ વિતરણની યોજના
"જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કઠોળ વિતરણની યોજના" અંતર્ગત તમામ NFSA રેશન કાર્ડધારકોને અન્ન સલામતીની સાથો સાથ પોષણ સલામતી મળી રહે તે માટે રાજ્યના NFSA રેશન કાર્ડધારકોને દર મહિને પ્રતિ કાર્ડ ૧ કિલોગ્રામ તુવેરદાળનું રૂ.૫૦/- પ્રતિ કિ.ગ્રા તેમજ દર મહિને પ્રતિ કાર્ડ/કુટુંબ ૧ કી.ગ્રા ચણાનું રૂ.૩૦/- પ્રતિ કી.ગ્રાના રાહતદારે વિતરણ કરવામાં આવે છે. (વિભાગના ઠરાવ ક્રમાંક બજટ/૧૪/૨૦૨૦/૭૧૧૮૬/ક, તા.૧૬/૦૬/૨૦૨૦) (વિભાગના ઠરાવ ક્રમાંક FCSCAD/NIB/e-file/5/2022/0002/C , તા.૩૦/૦૪/૨૦૨૨)
ખાદ્યતેલ વેચાણમાં ખાદ્ય સહાય યોજના
રાજયના AAY, BPL, NFSA APL-1 & APL-2 કેટેગરીના રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન કાર્ડદીઠ ૧ લીટર ખાદ્યતેલ "જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાદ્યતેલનું વિતરણ” યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મીઠાનું વિતરણ કરવા અંગેની યોજના
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મીઠાનું વિતરણ" યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ તમામ (AAY+PHH) અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ ન હોય તેવા બી.પી.એલ. કુટુંબોને દર માસે પ્રતિ કુટુંબ ૧ કિ.ગ્રા. ડબલ ફોર્ટીફાઇડ (આર્યન + આયોડીન) મીઠાનું રૂ.૧/-પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
વધુમાં, બે વાર્ષિક તહેવારો (જન્માષ્ટમી અને દિવાળી) દરમિયાન: અંત્યોદય રાશનકાર્ડ ધારકોને ₹૧૫ પ્રતિ કિલોગ્રામના દરે પ્રતિ કાર્ડ ૧ કિલોગ્રામ ખાંડ મળે છે.
બીપીએલ રાશનકાર્ડ ધારકોને ₹૨૨ પ્રતિ કિલોગ્રામના દરે પ્રતિ કાર્ડ ૧ કિલોગ્રામ ખાંડ મળે છે.
સ્માર્ટ રેશન કાર્ડ
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે રાજયના નાગરિકોને ડિજિટાઇઝ્ડ રેશનકાર્ડ આપવાની જરૂરિયાતને ધ્યાને લઇ સદર યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી શરૂ કરવામાં આવેલ છે. ડિજિટાઇઝ્ડ રેશનકાર્ડ એટલે કે સ્માર્ટ રેશનકાર્ડ ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાશે. તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે. અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટકાર્ડ મેળવી શકશે તેમજ કોઇપણ સ્થળેથી વેબસાઈટ પરથી અદ્યતન સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકાશે જેના કારણે અરજદારોના સમય અને નાણાની બચત થશે.
SMART (QR Code/ e-sign આધારિત) Ration Card થી રેશનકાર્ડની ખરાઈ કરવામાં સરળતા રહેશે અને તેની અધિકૃતતા ઝડપથી ચકાસી શકાશે
ખેડુતો પાસેથી બાજરી/જુવાર/રાગી (નાગલી) ની ખરીદી પર પ્રોત્સાહક બોનસ ચુકવવા બાબત
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ને મીલેટ વર્ષ તરીકે જાહેર કરેલ જે ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા પણ વર્ષ ૨૦૨૩-૨૪ને મીલેટ વર્ષ તરીકે જાહેર કરવામા આવેલ. જેના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી બાજરી, જુવાર અને રાગી (નાગલી) ની લઘુતમ ટેકાના ભાવે ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦ બોનસ ચુકવવાનુ નક્કી કરવામા આવેલ.
તેવી જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫મા બાજરી, જુવાર અને રાગી(નાગલી)ના પાકને પ્રોત્સાહન મળી રહે તેમજ ખુલ્લા બજારમા બાજરી, જુવાર અને રાગી (નાગલી) ના ભાવો ઉચા હોય ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી બાજરી, જુવાર અને રાગી (નાગલી) ની લઘુતમ ટેકાના ભાવે ખરીદી પર પ્રતિ ક્વિ. ૩૦૦ બોનસ આપવાનુ ઠરાવવામા આવેલ.